Get it on Google Play
Download on the App Store

૨૦૧૪ની ચુંટણી

નરેન્દ્ર મોદી બે બેઠક પરથી ચુંટણી લડ્યા: વારાણસી અને વડોદરા. તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારીબાપુ અને અર્થશાસ્ત્રીઓ જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરીયાનું પણ સમર્થન સાંપડ્યું હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ, "...મોદીના અર્થશાસ્ત્રથી પ્રભાવિત થયા છે."  તેમના વિરોધીઓમાં નોબેલ પારિતોષીક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો સમાવેશ થાય છે, જેમનું કહેવું હતું કે તે નરેન્દ્ર મોદીને વડાપ્રાધાન તરીકે જોવા નથી માંગતા કેમકે તેમણે લઘુમતી જનતા સુરક્ષિત મહેસુસ કરે તે માટે કાંઈ ખાસ કર્યું નથી અને મોદીના શાસન હેઠળ ગુજરાતમાં સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ "ઘણી ખરાબ" રહી છે.

મોદી જે બે બેઠકો પરથી ચુંટણી લડ્યા તે બન્ને પરથી જીત્યા; વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને (૫,૭૦,૧૨૮ મતોથી) હરાવીને, જો કે એક વ્યક્તિ બે સંસદિય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ ન કરી શકે તે કારણે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસી મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. ચુંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલા એન.ડી.એ. સંગઠનને જવલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો. નરેન્દ્ર મોદી, તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટાઈ આવ્યા હતા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા.